અદાણીના રોકાણકારો મુંજવણમાં...
- ssoni43
- Feb 8, 2023
- 3 min read
ચક્કર લાવી દેતી ઊંચાઈએથી સીધા જ ધરાતલ પર. એક જ અઠવાડિયામાં ભારતના સૌથી મોટા બિઝનેસ જૂથોમાંના એક અદાણી જૂથે આ બંને પાસાઓના દર્શન કરી લીધા છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં અદાણી જૂથની કંપનીઓનું કુલ મૂલ્ય 220 અબજ ડૉલર હતું, પરંતુ અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ બાદ તે લગભગ અડધું થઈ ગયું છે. અદાણી જૂથે રિપોર્ટમાં લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમ છતાં, તે રોકાણકારોની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે. આજે જ્યારે અદાણી જૂથની કંપનીઓની માર્કેટ વૅલ્યૂ દરરોજ ઘટી રહી છે, ત્યારે પૉર્ટથી લઈને પાવર પેદા કરતું આ જૂથ અત્યારે સૌથી મોટી કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે. વર્તમાન પડકારો આ જૂથની પ્રગતિની ગતિને ભારે બ્રેક મારી શકે છે. અથવા એવું પણ બની શકે કે કંપનીએ તેની કેટલીક શ્રેષ્ઠ સંપત્તિઓ ગુમાવવી પણ પડી શકે. કંપનીના શૅરમાં સતત ઘટાડો થવાનો અર્થ એ છે કે તે કંપનીમાં રોકાણકારોનો વિશ્વાસ ગુમાવી રહી છે. પરંતુ, શૅરના ભાવમાં ઘટાડો જ્યારે દેવું ચૂકવવા માટે જરૂરી કંપનીની રોકડ આવકમાં ઘટાડો થાય અને જ્યારે તેના વિસ્તરણ માટે મૂડી મેળવવી મુશ્કેલ બની જાય ત્યારે આમ થાય છે. 24મી જાન્યુઆરીએ હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો ત્યારથી અદાણી જૂથની કંપનીઓના શૅર દરરોજના ટ્રેડિંગ દરમિયાન સતત ઘટી રહ્યા છે. અદાણી જૂથની સૌથી મોટી કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શૅરમાં બુધવારના ટ્રેડિંગ દરમિયાન લગભગ 28 ટકાનો ઘટાડો થયો હતો અને ગુરુવારે તેમાં વધુ 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ કંપનીએ 2.5 અબજ ડૉલર એકઠા કરવા માટે લાવવામાં આવેલી 20 હજાર કરોડની ફૉલો ઑન પબ્લિક ઓફર (એફપીઓ)ને પણ રદ કરવી પડી. અદાણી જૂથ તેના વિસ્તરણ માટે વધુ રોકડ એકઠી કરવા અને તેના કેટલાક દેવાની ચૂકવણી કરવા માટે શૅર વેચાણની આ ઓફર લાવ્યું હતું. ફૉલો ઑન પબ્લિક ઓફર (એફપીઓ) દ્વારા એકઠી કરાયેલી મૂડીનો લગભગ અડધો ભાગ અદાણી એન્ટરપ્રાઈઝ અને તેની પેટાકંપનીઓના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનો હતો. આમાં ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમની સ્થાપના, હાલના ઍરપોર્ટનું વિસ્તરણ અને રોડ અને હાઇવે બનાવતી તેની પેટાકંપની હેઠળ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ બનાવવાની યોજનાઓનો સમાવેશ થતો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોનો વિશ્વાસ ડગી જવાને કારણે અદાણી જૂથ માટે આગામી સમયમાં બજારમાંથી મૂડી એકત્ર કરવી મુશ્કેલ બનશે. ક્લાઇમેટ એનર્જી ફાઇનાન્સના ડિરેક્ટર ટિમ બકલેએ જણાવ્યું હતું કે, તેમણે તેમના ઘણા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી હટી જવું પડશે અને તેમની સમયરેખા પણ લંબાવવી પડશે, કારણ કે આ સમયે મૂડી એકઠી કરવી તેમના માટે લગભગ અશક્ય હશે." આ સમયે અદાણી જૂથ પાસે નાણાં એકઠા કરવાનો એક જ રસ્તો બચ્યો છે અને તે છે વધુ લૉન લેવી. પરંતુ, આ મામલે તેમના હાથ બંધાયેલા છે. અદાણીને લૉન આપતા ધિરાણકર્તાઓ ગભરાય છે. અદાણી જૂથ પર પહેલેથી જ ઘણું દેવું છે. કંપનીઓ ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓ માટે નવા પ્રોજેક્ટ બનાવવા અથવા વધુ નાણાં એકઠા કરવા માટે લૉન લે તે સામાન્ય પ્રથા છે. લૉન લેવી એ અદાણી જૂથની મુખ્ય વ્યૂહરચના રહી છે અને તેનાથી તેમને તેમના વ્યવસાયને ઝડપથી વિસ્તારવામાં મદદ મળી છે. જોકે બિઝનેસના ઝડપી વિસ્તરણની લ્હાયમાં અદાણી જૂથ પર લગભગ બે લાખ કરોડ રૂપિયા (25 અબજ ડૉલર)નું દેવું છે. છેલ્લા ત્રણ વર્ષમાં અદાણી જૂથનું દેવું વધીને લગભગ બમણું થઈ ગયું છે કારણ કે અદાણી ગ્રીન હાઈડ્રોજન અને 5જી જેવા નવા વ્યવસાયોમાં પ્રવેશ કરીને તેની વ્યવસાયિક મહત્ત્વાકાંક્ષાઓને વિસ્તારી છે. મુશ્કેલીની વાત એ છે કે કંપનીના નફા અને આવક કરતાં દેવું વધવાની ગતિ ઘણી ઝડપી રહી છે. આ કારણે કંપની પર નાદારી નોંધાવવાનું જોખમ વધી ગયું છે. અદાણી જૂથ વિશે આ પ્રકારની ચિંતા છે, જે હિંડનબર્ગ રિપોર્ટ સાથે અન્ય ઘણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અદાણી જૂથની કંપનીઓએ અત્યાર સુધીમાં તેમની મોટાભાગની મૂડી દેવું કરીને મેળવી છે. આ માટે, તેમણે કાં તો તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિ અથવા તેમના શૅર ગીરવી કે સિક્યોરિટી તરીકે મૂક્યા છે. હવે જ્યારે અદાણી જૂથની કંપનીઓના શૅરના ભાવ અડધાથી વધુ ઘટી ગયા છે ત્યારે તેમના ગીરવી મુકેલા શૅરના ભાવ પણ નીચે આવ્યા છે. અદાણી જૂથની તપાસ હવે વધી ગઈ છે. રોકાણકારો અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ હવે અદાણી જૂથની નાણાં એકત્ર કરવાની અથવા તેની લૉન ચૂકવવાની ક્ષમતાની નજીકથી તપાસ કરી રહી છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ICRA અનુસાર, આવી સ્થિતિમાં ભારે મૂડી રોકાણ સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે લૉન લેવાની યોજના હવે અદાણી જૂથ માટે એક મોટો પડકાર બની ગયો છે. અદાણી જૂથ માટે સારી બાબત એ છે કે તેની કેટલીક કંપનીઓ પાસે સારી એવી સંપત્તિ છે. અદાણી જૂથે ઊર્જા અને પરિવહન ક્ષેત્રે ઘણી અસક્યામતો બનાવી છે, જે સામાન્ય રીતે દેશની આર્થિક પ્રાથમિકતાઓને અનુરૂપ છે. આજે જ્યારે કૉર્પોરેટ ગવર્નન્સની ચિંતાઓ અદાણી જૂથને સતાવી રહી છે ત્યારે ભવિષ્યમાં તેની તપાસનું જોખમ પણ ઊભું થઈ શકે છે. જોકે, ભારતના શૅરબજારની નિયમનકારી સંસ્થા સેબી (SEBI) એ હજુ સુધી અદાણીના શૅરમાં થયેલા ઘટાડા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હવે જ્યારે અદાણી જૂથ પર દબાણ વધી ગયું છે ત્યારે તેમના માટે સરકારી કૉન્ટ્રાક્ટ સરળતાથી મેળવીને તેની આવક વધારવી વધુ મુશ્કેલ બની જશે. તે જ સમયે અદાણી માટે તત્કાલ નવી લૉન લેવા લાયક ભરોસો ઊભો કરી શકવાનું પણ મુશ્કેલ બનશે. અદાણી જૂથ પર ઘણું દેવું ચૂકવવાનું હોવાથી તેમણે તેમની મહત્ત્વપૂર્ણ સંપત્તિ વેચવાનો નિર્ણય પણ લેવો પડી શકે છે....

.png)



Comments