જી-20 સંમેલનથી ભારતની આશા....
- ssoni43
- Mar 3, 2023
- 2 min read
Updated: Mar 4, 2023
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત 'ગ્લોબલ સાઉથ' એટલે કે વિકાસશીલ દેશોના ઉભરતા અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દિશામાં ભારતને જી-20 સંમેલનની અધ્યક્ષતા કરતાં વધુ સારી તક કોઈ ન હોઈ શકે. વૈશ્વિક આર્થિક ઉત્પાદનમાં વિશ્વના 19 સૌથી ધનિક દેશો અને યુરોપિયન યુનિયન 85 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે આ દેશો વિશ્વની વસ્તીના લગભગ 66 ટકા હિસ્સો ધરાવે છે. આમાંથી મોટાભાગના દેશોના વિદેશમંત્રીઓ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એકબીજાને મળી રહ્યા છે. આજે ભારતીય વિદેશમંત્રી બ્રિટન સહિત ઘણા જી-20 દેશોના મંત્રીઓને મળ્યા છે. પરંતુ આ બેઠકોમાં ભારતને જે પ્રકારની સમજૂતીઓની અપેક્ષા છે, તેના પર યુક્રેન યુદ્ધનો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ગયા વર્ષે, ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20 દેશોના નેતાઓની બેઠક દરમિયાન, રશિયાએ યુક્રેનના મુખ્ય મથકો પર મિસાઇલ હુમલો કરી દીધો હતો. ત્યારબાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ભારત, રશિયા અને ચીન આ હુમલાની ખુલીને નિંદા કરવા માગતા નથી. આ મામલે અત્યાર સુધી સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. યુદ્ધ હજુ ચાલુ છે અને શાંતિ મંત્રણાઓ શરૂ થવાના કોઈ સંકેતો જણાતા નથી. દુનિયામાં આજે પણ આ મુદ્દે તડા પડેલા છે. અને કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓ હજુ પણ આ યુદ્ધની ચપેટમાં છે. આ પૃષ્ઠભૂમિમાં જોઈએ તો એ વાતની નવાઈ નથી લાગતી કે જી-20 દેશોના નાણામંત્રીઓની ગયા અઠવાડિયે બેંગલુરુમાં બેઠક બાદ સંયુક્ત નિવેદન જાહેર કરી શક્યા ન હતા. રશિયા અને ચીને સંયુક્ત નિવેદનના કેટલાક ભાગો સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં રશિયન આક્રમણની આકરી નિંદા કરવામાં આવી હતી. આખરે ભારતે, બેઠકના અધ્યક્ષ હોવાને કારણે, અધ્યક્ષીય સારાંશ જાહેર કરવો પડ્યો જેમાં તેણે યુક્રેનના મુદ્દા પર સભ્ય દેશો વચ્ચે મતભેદો સામે આવ્યાની નોંધ કરી. આ બુધવાર અને ગુરુવારે યોજાનારી વિદેશમંત્રી સ્તરની મંત્રણામાં પણ આ પડકારોનો સામનો કરવો પડી શકે છે. ભારત જી-20 સમિટની અધ્યક્ષતાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. એટલે તે આ બેઠકને સફળ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ યુક્રેનનો મુદ્દો આ તમામ પ્રયાસો પર હાવી રહેશે. ભારત વિકાસશીલ દેશો માટે વધુ તાકીદના અને મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ભારતે એજન્ડામાં ક્લાઈમેટ ચૅન્જ, વિકાસશીલ દેશો પર વધતું દેવું, ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન, વધતી જતી મોંઘવારી અને ખાદ્ય અને ઊર્જા સુરક્ષાનો સમાવેશ કર્યો છે. કેટલીય અર્થવ્યવસ્થાઓ આજે પણ મહામારી અને યુદ્ધના કારણે ભારે મોંઘવારીને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે દિલ્હીએ એવી શાનદાર રાજદ્વારી વ્યૂહરચનાનો ઉપયોગ કરવો પડશે કે જી-20 દેશોનું જૂથ યુક્રેન યુદ્ધથી આગળનું જોઈ શકે. જોકે જેના પર બહુ મતભેદ નથી એવા મુદ્દાઓને લઈને સમજૂતી પર પહોંચવું શક્ય છે. આ સંદર્ભમાં, ભારત આ સપ્તાહે યોજાનારી મંત્રણા દ્વારા સપ્ટેમ્બરમાં યોજાનારી ટોચના નેતાઓની બેઠક માટે વાતાવરણ તૈયાર કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કરશે. ભારતે રશિયાની સીધી નિંદા કરવાનું ટાળ્યું છે. ભારત અને રશિયાના સંબંધો ઘણા જૂના છે અને યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતે ટીકાઓ વચ્ચે રશિયન ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. શરૂઆતમાં પશ્ચિમી દેશોને ભારતની બિનજોડાણ નીતિ પસંદ નહોતી. પરંતુ હવે એવું લાગે છે કે તેને લઈને એક પ્રકારની સમજ વિકસી હોવાનું જોવા મળે છે. ભારતે ભલે સીધી રીતે રશિયાની નિંદા ન કરી હોય પરંતુ યુક્રેન અંગે આપેલાં નિવેદનોમાં ભારતે યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાનૂન અને રાજ્યોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની વાત કરી છે. શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઈઝેશન કૉન્ફરન્સ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનને રશિયાની પરોક્ષ નિંદા તરીકે જોવામાં આવ્યું હતું....

.png)



Comments