જળસંકટ ગંભીર...
- ssoni43
- Feb 20, 2023
- 3 min read
જમ્મુ અને કાશ્મીરના હિંસાચાર અને અરાજકતાને કારણે ટુરિઝમની મોટી આવક ઢાળતા ઢાળે હિમાચલ પ્રદેશને પ્રાપ્ત થવા લાગી છે. નવી સરકારને હજુ ચારેક મહિના જ થયા છે. છતાં તેમણે રૂપિયા એક હજાર કરોડ રાતોરાત જળસંકટ નિવારવા માટે ફાળવ્યા તો પણ લાખો પ્રવાસીઓએ હિમાચલ પ્રદેશ છોડવું પડે એ સ્થિતિ આ ઢળતા શિયાળે દેખાય છે. જ્યાં બહારના પ્રવાસીઓનો ઘસારો નથી. એવા બુંદેલખંડ જેવા અનેક પ્રદેશો દેશમાં આજે પણ એવા છે જેને માટે સરકારે કરોડો રૂપિયાના ફંડ ફાળવવાના બાકી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સાથે હવે હિમાચલ પ્રદેશ પણ પીવાના પાણીની કટોકટી ભોગવવા લાગતા ઉત્તર અને મધ્ય ભારતના બદલાયેલા હવામાનનો નવો સંકટકાળ જાહેર થવા લાગ્યો છે. પાણીની સમસ્યાને માત્ર વરસાદ સાથે જોડીને અન્ય અનેક પાસાઓની ઊપેક્ષા થઈ રહી છે. વાસ્તવમાં દેશમાં ભૂગર્ભજળનું સ્તર ઝડપથી ઊંડે જવા લાગ્યું છે. કારણ કે કુલ વરસાદી જળ, તેમાંથી થતો સંગ્રહ અને એના વ્યવસ્થાપનની તુલનામાં કુલ વપરાશી જળનું પ્રમાણ બહુ મોટું છે. એની સામે ગયા ઉનાળામાં તો નર્મદા સહિતના દેશના સંખ્યાબંધ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા હતા. વપરાશી જળની માત્રા અધિક હોવાને કારણે ભૂગર્ભજળનું દોહન વધી ગયું છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં જળસ્તર ૪૦ મીટરથી વધુ ઊંડે સરી ગયું છે. મધ્ય, દક્ષિણ ગુજરાતમાં પાણીનું સ્તર હજુ ઉપર છે જે પણ આવનારા નજીકના વરસોમાં ઊંડે જશે. બુંદેલખંડમાં સતત દુષ્કાળની પરંપરા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાણી માટે ત્રણ કન્ટ્રોલરૂમની રચના કરી છે. એ કેવી આશ્ચર્યની વાત છે માત્ર બુદંલેખંડમાં જ પાણી પહોંચાડવા માટે ઉત્તર પ્રદેશ સરકારે કુલ ૫૬૪ યોજનાઓ અમલી બનાવી છે તોય પાણીની બૂમાબૂમ યથાવત જળવાય છે. વિશ્વના દેશોમાં કુદરતી સંસાધનોની સાર્વત્રિક ઘટ વર્તાવા લાગી છે. પીવાના તરોતાજા પાણીની અછત એમાં ટોચના ક્રમે છે. દુનિયાના તમામ મહાનગરોમાં પ્રદૂષણને કારણે અને અછતથી પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે. શહેરો ગીચ થતા જાય છે. રોજગારી અને ઔદ્યોગિક મંદીને કારણે શહેરો હવે વિરાટ ગામડાંઓ બની ગયા છે, કારણ કે સરકાર જેટલી સગવડ વધારીને શહેરનું નવીનીકરણ કરે છે એનાથી ત્રિગુણિત ઝડપે શહેરી વસ્તી અભિવૃદ્ધ થતી રહે છે. ગ્લોબલ વૉર્મિંગ સહિતના કારણોથી મોસમ બદલાતી રહે છે. વરસાદ હવે આગાહીઓને અનુસરતો નથી. કારણ કે વીજળીક ગતિએ મોસમમાં પલટા આવવા લાગે છે. વૃક્ષનો પ્રચાર છે, પરંતુ પ્રજામાં વૃક્ષનો વિચાર નથી, હજુ જંગલો કપાતા રહે છે, પૃથ્વી પરથી હરિયાળી ચાદર સંકેલાતી જ જાય છે. પાણી માટેના નવા સંસાધનો ઊભા કરવા માટેના પ્રોજેક્ટમાં જ કરોડો રૂપિયા સરકારે વહાવી દેવા પડે એવા સંયોગો રચાવા લાગ્યા છે. અખાતી દેશો પાણીની જે તંગીનો અનુભવ કરી રહ્યા છે એ વોટર સ્ટ્રેસ છે. કારણ કે જરૂરિયાતના પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધિ નહિવત્ છે. એ જ પરિસ્થિતિ ભારતના અનેક રાજ્યોમાં હવ સર્જાવા લાગી છે. શહેરોની સાથે જે અભયારણ્યો છે ત્યાં પણ જળસંકટ છે. જંગલોની વચ્ચે થઇને વહેતી નદીઓ હવે પહેલા જેવી નથી. એના રેતાળ પટ પણ વેરાન થઇ ગયા છે. એક પણ નદીમાં ખનિજ ચોર ટોળકીએ રેતી રહેવા દીધી નથી. તેઓને રાજકારણીઓનું ગુપ્ત સમર્થન હોય છે અને તેઓ ટ્રકબંધ અને ટનબંધ રેતી ઉપાડે છે. એશિયન દેશોનું પર્યાવરણ નિમ્ન કક્ષાએ પહોંચતા હવે પીવાના પાણીના વ્યવસ્થાતંત્ર માટે ભવિષ્યની સરકારોએ વોટરટેક્સ દાખલ કરવાના દિવસો આવશે, જે અત્યારના નળવેરા કે પાણીવેરા કરતા અલગ અને ઊંચા દર ઘરાવતા હશે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયની ઉતાવળી ધારણા પ્રમાણે ભારતમાં ઇ.. ૨૦૫૦ સુધીમાં પાણીની જરૂરિયાતમાં ૫૦ ટકા વધારો થશે જ્યારે કે આંતરરાષ્ટ્રીય અભ્યાસ પ્રમાણે આ વધારો ૩૦૦ ટકાનેય પાર કરી જશે, એટલે સ્થિતિ વિકટ બનશે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં પેટ્રોલિયમના ભંડારો ખાલી થશે એના દાયકાઓ અગાઉ ભૂગર્ભ જળભંડારો ખાલસા થઇ જશે...

#news #gujaratinews #gujarati #India #Jammu #Kashmir #HimachalPradesh #tourism #revenue #tourismrevenue #drought #watercrisis #climatechange #drinkingwatercrisis #water #cleanwater #waterislife #savewater #environment #sustainability #nature #rainwaterharvesting #waterconservation #waterscarcity #climatecrisis #globalwarming #education #watermanagement #sustainable #rainwater #watercharity #health #india #love #rain #waterpollution #bethechange #safewater #zerowaste #donate #saveearth #sanitation
.png)



Comments