top of page
Search

નવી શિક્ષણનીતિ-2020....

  • ssoni43
  • Feb 24, 2023
  • 3 min read

Updated: Feb 25, 2023


ભારતની નવી શિક્ષણનીતિ-2020 આવ્યાને ત્રણ વર્ષ પસાર થઇ ગયા. કેટલીક ભદ્ર સંસ્થાઓએ અમલની આછી પાતળી શરૂઆત કરી છે, પરંતુ મોટાભાગની કોલેજો અને યુનિવર્સિટીઓએ હજી સુધી અમલવારીમાં ઉત્સાહ નથી દાખવ્યો. અલબત્ત, શબ્દો દ્વારા તેને આવકારવામાં આવે છે, પરંતુ અમલમાં પછીપાની કરવામાં આવે છે તેવી બેવડી સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે. આ બધાની વચ્ચે યુજીસીએ યુનિવર્સિટીઓને પત્ર લખીને નવી નીતિના અમલ માટે શરૂઆત કરવાનું કહ્યું હતું. તાજેતરમાં ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્શિઅમે (કોન્સોર્ટિયમ નહિ) પરિપત્ર દ્વારા દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાને પોતાના સંસ્થાકીય વિકાસ યોજના (Institutional Development Plan) 28 ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવાનું કહી દીધું છે. આ બાબતમાં હજી ખાસ સળવળાટ થયો હોય તેવું ઉચ્ચ શિક્ષણ વર્તુળોમાંથી જાણવા મળ્યું નથી. કેટલાક તો કહે છે કે શું ઉતાવળ છે? સહુનું થશે તે વહુનું થશે. કોઈ પણ પ્રકારના પરિવર્તનને શાબ્દિક આવકાર આપી અમલમાં શૂન્ય રહી તે પરિવર્તનને નિષ્ફ્ળ, બનાવવામાં આપણે માહિર છીએ. ભૂતકાળમાં ટયૂટોરિયલ પ્રથા, ચોઈસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ, સેમેસ્ટર વ્યવસ્થા વગેરેને આમ જ આપણે નિષ્ફ્ળ બનાવી હતી. પરંતુ આ વખતે સ્થિતિ જરા જુદી છે. પરંપરાગત અનુદાનિત સંસ્થાઓને સ્વનિર્ભર નવી સંસ્થાઓ સાથે હરીફઈ કરવાની છે અને આ બાબતમાં અનુદાનિત સંસ્થાઓ પાછી પડી રહી છે. કેટલીક અનુદાનિત સંસ્થાઓ તો અસ્તિત્વ ખોવાને આરે આવીને બેઠી છે. નવી શિક્ષણનીતિના અમલવારી બાબતે આવતા શૈક્ષણિક વર્ષ (2022-23)થી ઉચ્ચ શિક્ષણનીતિમાં માળખાકીય પરિવર્તન આવી રહ્યું છે. અત્યાર સુધી જે સ્નાતક અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હતો તે હવે ત્રણ અને ચાર વર્ષ એમ બે પ્રકારનો થશે. આ ચાર વર્ષનું માળખું નીચે મુજબ રહેશે. અનુસ્નાતક અભ્યાસક્રમ પણ એક કે બે વર્ષનો રહેશે. જેણે ચાર વર્ષનું સ્નાતક કર્યું છે તે એક વર્ષમાં અને જેણે ત્રણ વર્ષનું સ્નાતક કર્યું છે તે બે વર્ષમાં અનુસ્નાતક બની શકશે. જેને અધ્યાપક બનવું છે તેને અનુસ્નાતકની પદવીની જરૂર પડશે. નીચેના સ્તરે વ્યવસાયલક્ષી અને ઉચ્ચ કક્ષાએ (અનુસ્નાતક) એકેડેમિક અભ્યાસક્રમો રહેશે. ઉચ્ચ શિક્ષણ કક્ષાએ બહુવિધ પ્રવેશ અને પ્રસ્થાન રહેશે. એક વિદ્યાર્થી પહેલા વર્ષ પછી ડ્રોપ લઇ ફ્રી પાછો પાંચ વર્ષે આગળ ભણવા આવી શકશે. એટલું જ નહિ, એક વિદ્યાર્થી એક સાથે એક કરતા વધુ સંસ્થાઓમાં ભણી શકશે. મને થાય કે મારે ગુજરાતી વિષયના અમુક જ પેપર ભણવા છે અને બાકીના કોમ્પ્યૂટરના ભણવા છે તો તે કાયદેસર ગણાશે. મેં જે વિષયમાં 50% કરતા વધુ ક્રેડિટ મેળવી હોય તેની પદવી મને મળશે. આમ હોવાથી દરેક સંસ્થાએ ખુલ્લાપણું દાખવવું પડશે. એક વિદ્યાર્થીએ ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં લઘુતમ 120 ક્રેડિટ મેળવવી પડશે. તેનાથી વધુ ક્રેડિટ તે પ્રાપ્ત કરી શકે તે માટે છૂટ રહેશે. ચાર વર્ષના અભ્યાસક્રમમાં 160 ક્રેડિટ મેળવવી પડશે. દરેક વિદ્યાર્થીનો આધારકાર્ડ નંબર તેની અભ્યાસ નંબર બનશે અને તેની ક્રેડિટ તેના નંબરના આધારે ક્રેડિટ બેંકમાં જમા રહેશે. આ વિદ્યાર્થી અમુક વર્ષનો ડ્રોપ લઇ ફ્રી ભણવા આવે તો તેની જમા ક્રેડિટ તેને મળશે. કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ બે પ્રવાહો રહેશે : સંશોધન પ્રવાહ અને અધ્યાપન પ્રવાહ.. અધ્યાપકે એક પ્રવાહની પસંદગી કરવાની રહેશે. આ માટે દરેક અધ્યાપકે પોતાની વાર્ષિક યોજના મૂકવાની રહેશે. સ્કોરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. જે અધ્યાપકો સંશોધન પ્રવાહ પસંદ કરશે તેમને ઓછા વ્યાખ્યાનો આપવામાં આવશે. આવા અધ્યાપકોએ સંશોધનકારી બનાવવાનું રહેશે. અધ્યાપકો જે યોજના બનાવે તેને સંસ્થાની મંજૂરીની જરૂર રહેશે. તમામ અધ્યાપકોની યોજનાનું સંકલન કરીને સંસ્થાની વિકાસ યોજના બનશે. ઉપરોક્ત મુદ્દાઓમાંથી પોતે કેટલા વિકલ્પો આપી શકાશે તે દરેક સંસ્થાએ પોતાના પ્લાનમાં જણાવવાનું રહેશે. આ યોજના બનાવીને 28 ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાનું દરેક સંસ્થાને કહેવામાં આવ્યું છે. પરંતુ હાલની સ્થિતિએ દસ ટકા સંસ્થાઓ પણ આ તારીખ સુધીમાં પોતાનું આયોજન પૂરું કરી શકે તેમ નથી. અત્યાર સુધી આપણે વર્ગવ્યાખ્યાન પદ્ધતિથી જ ભણાવતા આવ્યા છીએ. હવે વધુને વધુ આંતરક્રિયાત્મક અને સ્વભ્યાસ પર ભાર મૂકવામાં આવશે. નવી શિક્ષણનીતિ મુજબ અભ્યાસક્રમો બનાવવા અને તે ખૂબ જ મહત્ત્વનું રહેશે. હવે એક પેપરમાં પાંચ એકમ નાખી દેવાથી અભ્યાસક્રમ નહિ બને. દરેક અભ્યાસક્રમના ઉદ્દેશ્ય, તર્ક, વિતરણ તથા શિક્ષણપદ્ધતિ બતાવવાના રહેશે. દરેક અભ્યાસક્રમમાં પાંચ એકમ રહેશે. પરંતુ તે એકમો એકેડેમિક હશે કે વ્યવહારુ તે કઈ કક્ષાએ ભણાવો છો તેના પર આધારિત રહેશે. દરેક અભ્યાસક્રમમાં સંદર્ભો એપીએ શૈલીથી આપવાના રહેશે. દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ વ્યાપક સમાજ સાથે પોતાને કનેક્ટ કરવાની રહેશે. આ વ્યાપકતામાં મેનેજમેન્ટ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થી મંડળ, વ્યાવસાયિકોને પ્રતિનિધિઓ વગેરે રહેશે. આટલું તો આવતા વર્ષથી કરવાનું રહેશે. આ તો પાશેરામાં પહેલી પૂણી છે. આ ઉપરાંત આગળ જતા દરેક સંસ્થાએ પોતાની જાતને ઉદ્યોગ સાથે કનેક્ટ કરવાની રહેશે. જ્ઞાનનો ઉપયોગ વ્યાપક સમાજ માટે કરવા વિસ્તરણની પ્રવૃત્તિ કરવાની રહેશે. દેશના વિકાસ માટે પ્રસ્તુત જ્ઞાનનું સર્જન કરવાનું રહેશે. અલબત્ત, આમાંનું કેટલું શક્ય બને છે તેની આધાર રાજકારણના પ્રવાહો પાર રહેલો છે...









 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page