top of page
Search

સતત બદલાતો મોસમનો મિજાજ...

  • ssoni43
  • Mar 9, 2023
  • 2 min read

Updated: Mar 22, 2023


દેશમાં મોસમનો મિજાજ ખોફનાક રીતે બદલાઇ રહ્યો છે. આને ક્લાઇમેટ ચેન્જની અસર કહો કે પછી કુદરતી પ્રકોપ કહો પણ માનવજાતને તેની બેદરકારીભરી જીવનશૈલીની કિંમત ચૂકવવી પડી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં હવામાને પલટો લીધો છે. ફાગણ મહિનામાં હોળીના સપરમા તહેવારો પર લોકોને રંગોની છોળોને બદલે મોસમી રેઇન ડાન્સનો વરવો અનુભવ કરવો પડયો છે. ક્યાંક ઘૂળની ડમરી સાથે તોફાની પવન ફુંકાવાથી તો ક્યાંક કરા સાથે વરસાદ પડવાથી ખેતરોમાં લહેરાતા ઊભા પાકનો કચ્ચરઘાણ બોલી ગયો છે. લગભગ કોઈ જિલ્લો કુદરતના મારથી બાકાત રહ્યો નથી. તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદને કારણે પાકનો સફાયો થતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન સહન કરવું પડયું છે. હવામાન ખાતાએ કુદરતનું આ રૌદ્ર રૂપ એક યા બીજા સ્વરૂપે ચાલુ રહેવાની આગાહી કરી છે. હજી લોકોને મોસમી રેઇન ડાન્સના મારની કળ માંડ વળી હશે ત્યાં કાળઝાળ ગરમી અને લૂનો પ્રકોપ માનવજાતનો પીછો કરી જ રહ્યો છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે માર્ચ મહિનામાં ગરમ પવનો ફુંકાવાનું શરૂ થઈ જશે. આ વખતની ગરમી અગાઉના તમામ રેકોર્ડ તોડશે. ફેબ્રુઆરી મહિનાનાં બીજા પખવાડિયામાં મોસમની રૂખ બદલાઈ અને જે રીતે ગરમી પડવાનું શરૂ થયું તે પરથી એવું લાગે છે કે આ વખતનો ઉનાળો આકરો હશે. ભારત સરકારે પાણી પહેલાં પાળ બાંધવાની દૂરંદેશી દર્શાવી છે અને રાજ્યોને કાળઝાળ ગરમી સામે પબ્લિકને બચાવવા શું કરવું તેની એડવાઈઝરી જાહેર કરી છે. ગરમીથી થતી બીમારી સામે લોકોને રક્ષણ આપવા રાજ્યોને આગોતરા પગલાં લેવા તાકીદ કરી છે. આગાહી તો એવી છે કે 2030 સુધીમાં વિશ્વના અનેક દેશોમાં ગરમીનો ભીષણ પ્રકોપ જોવા મળશે જે સહન કરવાનું મુશ્કેલ બનશે. પૃથ્વી પર જે રીતે ગરમી અને તાપમાન વધી રહ્યું છે તેને કારણે અમેરિકા તેમજ યુરોપના અનેક દેશોમાં જંગલો સળગી રહ્યાં છે. દાવાનળે ત્યાં તબાહી મચાવી છે. ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણની આંધળી દોટે મનુષ્ય માટે જીવન જીવવાનું કપરું બનાવ્યું છે. દરેક બાબતમાં સુખસાહ્યબી ભોગવવા ઉચ્છતા માનવીએ જંગલોમાં વૃક્ષો કાપીને ગગનચૂંબી ઈમારતો બાંધીને સિમેન્ટ કોન્ક્રિટનાં જંગલો ઊભાં કર્યા છે. વિકાસના નામે ઝેરી કાર્બન ગેસનું ઉત્સર્જન થઈ રહ્યું છે જેને કારણે ઓઝોન વાયુના પડમાં ગાબડાં પડી રહ્યાં છે. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. દરિયાની સપાટી પર વધી રહેલા તાપમાનને કારણે ચક્રવાતો અને વાવાઝોડા સર્જાઈ રહ્યાં છે. અનેક ફટકા ખાધા પછી જો માનવજાત નહીં સુધરે તો વિનાશ અને તબાહી નક્કી છે....












 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page