ઇન્ટરનેશનલ બજારમાં ભારતીય ચલણ રૂપિયાનું વધતું મહત્વ...
- ssoni43
- Mar 29, 2023
- 3 min read
દુનિયાના 18 દેશોમાં ભારતીય રૂપિયામાં વ્યવહાર થવા લાગ્યો છે. ઇન્ટરનેશનલ કરન્સી ગણાતા ડોલરનું પોત ધીમે ધીમે પાતળું પડતું જાય છે. દુનિયાને હવે અમેરિકાનું આધિપત્ય ખપતું નથી. દુનિયાની ઇકોનોમી બદલાઇ રહી છે! ભારતના અર્થતંત્રને આગળ વધતું કોઇ રોકી શકવાનું નથી એવું દુનિયાના અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે. રૂપિયાને સૌથી વધુ બળ રશિયાએ પૂરું પાડ્યું છે. અમેરિકાની જગત જમાદારી ક્યાં સુધી ચાલશે એ વિશે પણ ચર્ચાઓ થઇ રહી છે. આપણા દેશ માટે દુનિયાની ચારે બાજુએથી સારા સમાચારો આવી રહ્યા છે. લેટેસ્ટ વાત એ છે કે, આપણા દેશનું ચલણ રૂપિયો ધીમે ધીમે દુનિયાના દેશોમાં પોતાનો દબદબો કાયમ કરી રહ્યો છે. ઇન્ટરનેશનલ ટ્રેડમાં ભારતની ભૂમિકા જે રીતે વધી રહી છે એ જોઇને દુનિયાના દેશો ભારત સાથે રૂપિયામાં આર્થિક વ્યવહારો કરવા માટે આગળ આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ કરન્સી ડોલરનું વર્ચસ્વ સતત ઘટી રહ્યું છે. અમેરિકાની જગત જમાદારી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. 18 દેશોએ તેમના સ્થાનિક ચલણ અને રૂપિયામાં ડીલ કરવાનું સ્વીકારી લીધું છે. દેશની સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હજુ વધુ દેશોમાં રૂપિયાની તાકાત વધારવાના પ્રયાસો કરી રહી છે. 18 દેશમાં સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ ઓલરેડી ખુલી ગયા છે. તેનો મતલબ એ કે, હવે એ દેશોમાંથી આપણે જે ખરીદીએ છીએ તેની ચૂકવણી આપણે ડોલરમાં કરવી પડશે નહીં. સામા પક્ષે જે તે દેશ પણ સ્થાનિક ચલણમાં હિસાબ-કિતાબ કરશે. આ સિસ્ટમથી સૌથી મોટો ફાયદો એ છે કે, વિદેશી હૂંડિયામણની બચત થશે અને ડોલર પરનું ભારણ ઘટશે. દુનિયામાં અમેરિકાના ડોલર, યુરોપના યુરો, જાપાનના યેન, બ્રિટનના પાઉન્ડ અને રશિયાના રૂબલની ગણના મજબૂત ચલણમાં થાય છે. હવે એમાં આપણો રૂપિયો પણ સ્થાન મેળવી રહ્યો છે. જે દેશો સાથે ઇન્ડિયન કરન્સીમાં વ્યવહારો થવાના છે એમાં રશિયા, મોરેશિયસ, સિંગાપોર, શ્રીલંકા, મલેશિયા, મ્યાનમાર, શ્રીલંકા, ઇઝરાયલ અને જર્મનીનો સમાવેશ થાય છે. દુનિયાના 64 દેશોએ ભારતીય રૂપિયામાં વ્યવહારો કરવામાં રસ દાખવ્યો છે. જો 30 દેશ સાથે રૂપિયામાં વ્યવહારો શરૂ થઇ જશે તો ભારતીય રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ બની જશે. 18 દેશો તો થઇ ગયા છે, હવે 12 દેશો જ બાકી છે. એમાં પણ લાંબો સમય લાગવાનો નથી. રશિયા અને યૂક્રેન યુદ્ધે દુનિયામાં જે પરિવર્તનો આણ્યા છે, તેમાં આર્થિક બદલાવ સૌથી મોખરે છે. રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો એ સાથે અમેરિકાએ રશિયા પર એક પછી એક કરીને અસંખ્ય પ્રતિબંધો લાદી દીધા હતા. રશિયા દુનિયા દેશ સાથે વેપાર ન કરી શકે એ માટે ડોલર પર બેન મૂકી દેવામાં આવ્યો. રશિયાએ અમેરિકાના આ પ્રતિબંધનો તોડ શોધ્યો અને જે તે દેશ સાથે ત્યાંના સ્થાનિક ચલણમાં વ્યવહારો શરૂ કરી દીધા. અમેરિકાએ આખી દુનિયાના દેશોને ફરમાન કર્યું હતું કે, તમારે કોઇએ રશિયા સાથે કોઇ વ્યવહારો રાખવાના નથી. અમેરિકાના સાથી દેશોએ તો વાત માની લીધી પણ રશિયાના મિત્ર દેશો અને ન્યૂટ્રલ દેશોએ રશિયા સાથે વ્યવહારો ચાલુ રાખ્યા. આપણા દેશે પણ રશિયા સાથે સંબંધો તોડવાની ના પાડી દીધી ઉલટું રશિયા પાસેથી વધુ માત્રામાં ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું. આજે આપણો દેશ દુનિયાના બીજા ઓઇલ ઉત્પાદક દેશોની સરખામણીમાં રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે. રશિયા આપણને વાજબી ભાવે ઓઇલ આપે છે અને આપણે તેનું પેમેન્ટ ડોલરમાં કરવું પડતું નથી. અમેરિકાથી આવું બધું સહન થતું નથી પણ એ ભારતનું કંઇ બગાડી શકે એમ નથી. ચીન સાથે સ્પર્ધા અને સંઘર્ષમાં અમેરિકાને ભારતના સાથ વગર ચાલે એમ જ નથી. અમેરિકાએ રશિયા પર અસંખ્ય પ્રતિબંધો તો લાદી દીધા છે પણ એ તેને જ ભારે પડી રહ્યા છે અને હજુ વધુ ભારે પડે એવી શક્યતાઓ પણ છે. અમેરિકા અને તેના સાથી દેશોના અર્થતંત્રો ડચકાં ખાઇ રહ્યા છે. હજુ સોમવારે જ વર્લ્ડ બેંકે કહ્યું છે કે, ગ્લોબલ આર્થિક મંદીના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકા અને યુરોપમાં બેંકિગ સેકટરમાં જે ક્રાઇસિસ પેદા થઇ છે એણે ચિંતામાં વધારો કર્યો છે. ગ્રોથ માટે જરૂરી તમામ આર્થિક શક્તિઓ નબળી પડી છે. દુનિયાએ આર્થિક પડકારો સામે વહેલી તકે સજાગ થવાની જરૂર છે, નહીંતર હાલત બગડતી જશે. પહેલા કોરોનાએ આખી દુનિયાને ઠપ્પ કરી દીધી હતી. હજુ કોરોનાની અસરોમાંથી મુક્તિ નહોતી મળી ત્યાં રશિયા અને યૂક્રેનનું યુદ્ધ છેડાયું. આ યુદ્ધને એક વર્ષ અને એક મહિનો થઇ ગયો છે. યુદ્ધ હજુ ક્યાં સુધી ચાલશે એ કહેવું અઘરું છે. મજાની વાત એ છે કે, આ બધા વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત બનવાનું છે. ભારતને પોતાની ન્યૂટ્રલ પોલિસીનો ફાયદો મળી રહ્યો છે. ભારતને ચીન અને પાકિસ્તાન સામે વાંધો છે એ વાત સાચી છે પણ આપણે એની સાથે પણ બંને ત્યાં સુધી સંઘર્ષ ટાળીએ છીએ. ભારત ચીન સાથે સંબંધો સુધારતું નથી એ પણ એક રીતે જોવા જઇએ તો આંતરરાષ્ટ્રીય કૂટનીતિ જ છે. આપણો દેશે બ્રિટનને પાછળ રાખીને દુનિયાની પાંચમા નંબરની ઇકોનોમી બની ગયો છે. હવે આપણી આગળ અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જ છે. 2035 સુધીમાં આપણો દેશ જર્મની અને જાપાનને પણ પાછળ રાખીને દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે એવું આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓનું જ કહેવું છે. ભારતીય ચલણનો દુનિયામાં પગપેસારો એ દિશામાં જ એક મહત્ત્વનું પગલું છે. દુનિયાના વધુને વધુ દેશો ભારતની નજીક આવી રહ્યા છે. આઝાદી વખતે ભારતને દુનિયા સાપ અને મદારીનો દેશ કહીને વગોવતી હતી, હવે દુનિયા ભારતની તાકાતનો સ્વીકાર કરવા લાગી છે....

.png)



Comments