top of page
Search

મોબાઇલ ફોનની 50 વર્ષની સફર....

  • ssoni43
  • Apr 15, 2023
  • 4 min read

આખી દુનિયાને ઘેલું લગાડનાર મોબાઇલ ફોન પચાસ વર્ષનો થઇ રહ્યો છે. પાંચ દાયકા પહેલા મોબાઇલની શોધ કરનાર માર્ટિન કૂપર અત્યારે 94 વર્ષના છે અને અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે. મોબાઇલની અડધી સદી નિમિત્તે માર્ટિન કૂપરે કહ્યું કે, લોકો પાગલની જેમ મોબાઇલમાં ઘૂસેલા રહે છે. રોડ ક્રોસ કરતી વખતે જ્યારે હું લોકોને મોબાઇલ ફોનમાં ચોંટેલા જોવ છું ત્યારે ડિસ્ટર્બ થઇ જાવ છું. માર્ટિનદાદા લોકોને સલાહ આપે છે કે, જિંદગી તરફ પાછા વળો. દુનિયાના અનેક માનસશાસ્ત્રીઓથી માંડીને ધર્મગુરુઓ ચેતવણી આપતા રહે છે કે, સમયસર ચેતી જાવ નહીંતર ક્યાંયના નહીં રહો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડો સમય અગાઉ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, લોકો છ છ કલાક મોબાઇલ વાપરવા લાગ્યા છે. ઘરમાં હવે નો ટેક્નોલોજી ઝોન બનાવવાની આવશ્યતા છે. એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ સંતાનોને ગેજેટ વાપરવા દેતા નહોતા. આપણા દેશમાં અને આખી દુનિયામાં વાહન ચલાવવાથી માંડીને મતદાન કરવા સુધીની એક ઉંમર નક્કી કરવામાં આવી છે પણ બાળકને કઇ ઉંમરથી મોબાઇલ વાપરવા આપવો તેનો કોઇ નિયમ નથી. કોરોનાના કારણે જે બાળકો મોબાઇલ અને બીજા ડિજિટલ ગેજેટથી દૂર હતા એ પણ તેના ભરડામાં આવી ગયા છે. મોટા ભાગના બાળકોને હાથમાં મોબાઇલ આપો પછી જ જમવા બેસે છે. સંતાનો શાંત રહે એ માટે મા-બાપ જ તેના હાથમાં મોબાઇલ પકડાવી દે છે. મા-બાપથી જ મોબાઇલ છૂટતો નથી તો બાળકનો તો ક્યાં વાંક કાઢવો? લોકો સૂતા પહેલા છેલ્લું કામ અને સવારે ઉઠતાવેંત પહેલું કામ મોબાઇલ જોવાનું કરે છે. રાતના જેમને કુદરતી હાજત માટે ઉઠવું પડે છે એ અડધી રાતે પણ મોબાઇલ જોયા વગર રહી શકતા નથી. એવું જરાયે નથી કે લોકોને મોબાઇલના ગેરફાયદા ખબર ન હોય, બધાને બધી ખબર છે પણ મોબાઇલ છૂટવો તો જોઇએને? મોબાઇલ વગર લોકો ઘાંઘા થઇ જાય છે. થોડીક વાર રિંગ કે બીપર ન વાગે તો હાંફળા ફાંફળા થઇ જાય છે. તમે ક્યારેય ચેક કરો છો કે, તમે દિવસમાં કેટલો સમય મોબાઇલ વાપરો છો? કેટલી વખત મોબાઇલને પીક કર્યો? આ દરમિયાનમાં શું કર્યું? હવે તો ઘણા મોબાઇલ જ તમને યુસેઝની વિગતો આપી દે છે, બાકી એવી એપ્લિકેશન પણ એવેલેબલ છે જ. ચેક કરતા રહેવાની સાથે એ પણ વિચારવાની જરૂર છે કે, આ સમયનો હું બીજો કોઇ ક્રિએટિવ ઉપયોગ કરી શક્યો હોત ખરો? મોબાઇલના કારણે લોકોના સંબંધો દાવ પર લાગી ગયા છે. દૂર બેઠેલાઓ સાથે સંપર્કમાં રહેવાની લ્હાયમાં લોકો પોતાની સાથે બેસેલા નજીકના લોકોને ભૂલતા જાય છે. આપણે બધા એક આભાસી દુનિયામાં જીવવા લાગ્યા છીએ. રીલ્સ જોયે રાખીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દાટ વાળે એ રીતે આગળ વધી રહ્યું છે. કૃત્રિમ બુદ્ધિ માણસની બુદ્ધિનો ચારો ચરી જવાની છે! બધું ખરાબ છે એવું બિલકુલ નથી. વાપરતા આવડે તો મોબાઇલ જેવું આશીર્વાદરૂપ સાધન બીજું કોઇ નથી. મોબાઇલ આખી દુનિયા હાથવગી કરી આપે છે પણ ધ્યાન ન રાખીએ તો આપણને પણ પોતાના સકંજામાં લઇ લે છે. મોબાઇલ પચાસ વર્ષમાં ઘરે ઘરમાં પહોંચી ગયો છે તો પચાસ વર્ષ પછી શું થશે? મોબાઇલ હવે ઓલ ઇન વન છે. કેમેરા, ઘડિયાળ, કેલેન્ડરથી માંડીને એવી ઢગલાબંધ વસ્તુઓ છે જેને મોબાઇલે પોતાનામાં સમાવી લીધી છે. આમ તો મોબાઇલે આપણી જિંદગી સરળ બનાવી છે, આપણે જ આપણી ઘોર આપણા હાથે ખોદીએ તો એમાં વાંક મોબાઇલનો કાઢી શકાય નહીં. મોબાઇલ જ્યારે શોધાયા ત્યારે સ્માર્ટ નહોતા, દેશી હતા. ધીમે ધીમે ટેક્નોલોજી બદલતી ગઇ અને મોબાઇલ નવું નવું રૂપ ધરતો ગયો. હવે મોબાઇલ સ્માર્ટ થઇ ગયા છે અને માણસ બુદ્ધુ બનતો જાય છે. માણસ એટલી સમજ પણ ગુમાવી રહ્યો છે કે, મોબાઇલ આપણા માટે છે, આપણે મોબાઇલ માટે નથી. પહેલા તો મોબાઇલ માલેતુજારને જ પરવડે એવા હતા. આઉટગોઇંગના તો તગડા ચાર્જ હતા જ, ઇનકમિંગના પણ રૂપિયા ચૂકવવા પડતા હતા. મીસ કોલની એક આખી સિસ્ટમ ઊભી થઇ હતી. ધીમે ધીમે ટેક્નોલોજી ડેવલપ થઇ અને મોબાઇલ વાપરવાનું સસ્તું પડવા લાગ્યું. આજે દુનિયાની ઇકોનોમીનો ઘણો મોટો આધાર મોબાઇલ છે. મોટી મોટી કંપનીઓ જે કંઇ માર્કેટિંગ પ્લાન કરે છે એ મોબાઇલને ધ્યાનમાં રાખીને જ કરે છે. મોબાઇલ આવ્યો પછી આખું માર્કેટ યંગસ્ટર્સ ડ્રિવન થઇ ગયું છે. મોબાઇલ મોટી ઉંમરના લોકો માટે વરદાન સાબિત થઇ રહ્યો છે. સમય પસાર કરવાનું ટેન્શન હવે ખતમ થઇ ગયું છે. હવે સમય બચાવવાનો સવાલ પેદા થવા લાગ્યો છે. મોબાઇલથી દૂર રહેવા ડિજિટલ ઉપવાસનો કન્સેપ્ટ આવ્યો છે. આપણે અપચો થઇ જાય એટલો મોબાઇલ વાપરવા લાગ્યા છીએ. તમે એક પ્રયોગ કરજો કે, તમે કેટલો સમય મોબાઇલથી દૂર રહી શકો છો. એક ધાર્મિક આશ્રમવાળાએ એવું કહ્યું હતું કે, માણસ આશ્રમમાં આવે ત્યારે એનાથી બધું છૂટી જાય છે પણ મોબાઇલ છૂટતો નથી. નિસર્ગોપચાર કેન્દ્રોમાં હવે લોકોને ગેજેટસથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. વ્યસનમુક્તિ કેન્દ્રોમાં ડિજિટલ સાયકો થઇ ગયેલા લોકોની સંખ્યા વધતી જાય છે. વેલ, અત્યારે ચર્ચા એ વાતની છે કે, આ બધું ક્યાં જઇને અટકશે? એના વિશે એવું કહેવાય છે કે, એક દિવસ અટકવાનું જ છે. લોકોને ભાન થવાનું જ છે કે આપણે આડા રસ્તે ચડી ગયા છીએ. પહેલા આવું જ ગાંડપણ ટીવી પાછળ હતું. હવે મોબાઇલ છે. મોબાઇલને ભલે પચાસ વર્ષ થયા પણ મોબાઇલ દરેકના હાથમાં આવી ગયો એને હજુ લાંબો સમય થયો નથી. છેલ્લા દોઢ-બે દાયકામાં મોબાઇલે હરણફાળ ભરી છે. મોબાઇલથી પણ લોકો કંટાળશે અને વહેલો કે મોડો છૂટશે તો ખરો જ પણ ત્યાં સુધીનું શું? મોબાઇલ છૂટશે ત્યાં સુધીમાં કંઇક નવું આવી જશે. માણસે હવેના સમયમાં કંઇ શીખવાનું હોય તો એ છે વિવેકભાન! આપણે પ્રાચીન સમયથી કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે, અતિ સર્વત્ર વર્જિયેત. એનીથિંગ એક્સેસઇઝ પોઇઝન. અમૃતના ટીપાં જ હોય, ઘૂંટડા નહીં. મોબાઇલ લોભામણો છે, એ તમને એના તરફ ખેંચે છે, એક વખત હાથમાં લીધા પછી મૂકવાનું મન થતું નથી. ટેક્નોલોજીના માંધાતાઓ એ જ કરી રહ્યા છે કે, એક વખત મોબાઇલ ખોલો એટલે તેમાં તમે અંદરને અંદર ખૂંપતા જ જાવ! માણસને પોતાનું ભાન ન રહે એ હદે મોબાઇલ હાવી થઇ ગયો છે ત્યારે દરેક પોતાનું ધ્યાન રાખે એ જરૂરી છે. વાંક આપણો હોય ત્યારે આપણે ટેક્નોલોજીને દોષ દઇ શકીએ નહીં!

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page