વસ્તી ગણતરી મહત્વની કેમ ?
- ssoni43
- Mar 13, 2023
- 3 min read
2024માં દેશની વસ્તી ગણતરીનું કામ પૂરું થવાનું છે. તેના રિપોર્ટને આધારે દેશમાં કેટલી વસ્તી છે તે દુનિયાને ખબર પડવાની છે. હકીકતમાં તો દેશની વસ્તી ગણતરીનું કાર્ય 2021માં પૂરું થવાનું હતું પરંતુ કોવિડને કારણે દેશની વસ્તી ગણતરીનું કામ પહેલી વખત મુલતવી રખાયું હતું. સેકન્ડ વર્લ્ડ વોર અને ચીન તથા પાકિસ્તાનના યુદ્ધ સમયે પણ દેશની વસ્તી ગણતરીનું કામ રોકવામાં ન હતું આવ્યું. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દેશની વસ્તી ગણતરીનું કાર્ય 1881માં પહેલી વખત શરૂ થયું હતું. ત્યારબાદ દર 10 વર્ષે દેશની વસ્તી ગણતરીનું કામ હાથ ધરવામાં આવતું હતું. 1881 બાદ પહેલી વખત કોવિડને કારણે 2021ની દેશની વસ્તી ગણતરીનું કામ રોકવામાં આવ્યું જે હવે ઑક્ટોબર 2023થી શરૂ કરવામાં આવશે. દેશની વસ્તી ગણતરીને માહિતીનો ખજાનો કહેવામાં આવે છે. વસ્તી ગણતરીના જે આંકડાઓ મળે છે તેના આધારે સરકાર નીતિઓ બનાવે છે. સરકાર જે જનકલ્યાણની યોજનાઓ માટે રૂપિયા ખર્ચે છે એ યોજનાઓ કેટલા લોકોને અસર કરનારી છે એ આંકડાઓ વસ્તી ગણતરી બાદ સરકારને મળે છે. એટલે જો આ આંકડા ખોટા હોય તો સરકારી યોજનાઓ પડી ભાંગવાની શક્યતાઓ ઊભી થતી હોય છે. આઝાદી પછી સરદાર વલ્લભભાઇ પટેલે ગૃહમંત્રીની હેસિયતથી 1948ની વસ્તી ગણતરી અધિનિયમ, અનુચ્છેદ 246 મુજબ કેન્દ્રીય વિષય અને બંધારણની 7મી અનુસૂચિમાં સામેલ કર્યો છે. આ મુજબ વસ્તી ગણતરી એ કેન્દ્ર સરકારનો અધિકાર છે. રાજ્ય સરકાર તેમાં દખલ દઇ શકે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાની ઓફિસ દેશનું વસ્તી ગણતરીનું કાર્ય કરે છે. જેમાં ઓળખ, પસંદગી, ટ્રેનિંગ, હાઉસ લિસ્ટિંગ અને પ્રમાણભૂત ડેટાની નોંધણી તથા ફાઇનલ રિપોર્ટ સુધીની કામગીરી આવી જાય છે. આ વર્ષે દેશમાં જે વસ્તી ગણતરી થવાની છે તે અનોખી એટલા માટે છે કે પહેલી વખત દેશમાં ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવશે. રજિસ્ટ્રાર ઓફ ઇન્ડિયા દ્વારા 2021ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લઇને પોતાની કામગીરી 2019થી શરૂ કરી દીધી હતી. જેમાં વસ્તી ગણતરી માટે અંદાજે 9000 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન કરાયું હતું. દેશની પહેલી ડિજિટલ વસ્તી ગણતરી માટે ડેટા ભેગા કરવા દેશભરમાં 33 લાખ કર્મચારીઓ કામે લાગશે. આ વસ્તી ગણતરીના તમામ ડેટા વસ્તી ગણતરી અધિકારીઓ અને સુપર વાઇઝર્સના પોર્ટલ પર ફીડ કરવામાં આવશે. આ વર્ષે થનાર વસ્તી ગણતરી યોજાનામાં બીજી એક નવી વાત એ છે કે પહેલી વખત દેશમાં ટ્રાન્સજેન્ડર લોકોની નોંધણી કરવામાં આવશે. અત્યાર સુધીની વસ્તી ગણતરીમાં માત્ર પુરુષ અને સ્ત્રીની નોંધણી કરવામાં આવતી હતી. હવે પહેલીવાર ટ્રાન્સજેન્ડરના આંકડા દેશમાં ઉપલબ્ધ થશે. વસ્તી ગણતરીની કામગીરી અગાઉ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તમામ રાજ્ય સરકારોને કહીં દેવામાં આવ્યું છે કે, તમારા તાબા હેઠળ આવતા ગામ, તાલુકા, શહેર, જિલ્લાની સરહદો 30 જૂન 2023 સુધી નક્કી કરી દો. ઑક્ટોબરમાં વસ્તી ગણતરીનું કાર્ય શરૂ થશે એટલે જો સરહદોની પુનઃરચના અને વસ્તી ગણતરીની કામગીરીની વચ્ચે 3 મહિનાનો ગેપ રહે. જેથી દરેક ગામ, તાલુકો, શહેર, જિલ્લાની વસ્તી કેટલી છે તેના ચોક્કસ આંકડા મળી રહે. અગાઉ વસ્તી ગણતરીનું કામ 1 વર્ષથી વધારે સમય સુધી ચાલતું હતું. પરંતુ હવે ડિજિટલી ગણતરી કરવાની હોઈ આ કામ ઝડપથી પૂરું થશે તેવી આશા રખાય છે. વસ્તી ગણતરી કર્મચારીઓ ઘરે ઘરે ટેબલેટ અથવા સ્માર્ટફોન લઇને જશે અને સીધી માહિતી પોર્ટલમાં નોંધશે. આ ઉપરાંત કોઇ વ્યક્તિ જાતે પણ પોતાની માહિતી ભરી શકે તે માટે વસ્તી ગણતરી ફોર્મની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે સીધું જ આર.જી.આઇ.ને મોકલી શકશે. ઑક્ટોબરથી શરૂ થનાર વસ્તી ગણતરીની કામગીરી આગામી 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીના સંસદીય ક્ષેત્રોની સીમાઓને અસર નહીં કરે. 2026 પછી જ વસ્તી ગણતરીના નવા આંકડાઓને આધારે લોકસભા અને વિધાનસભાના ક્ષેત્રોની સીમાઓ બનાવાશે. ત્યાં સુધી 2001ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે જ લોકસભા અને વિધાનસભાના ક્ષેત્રોની સીમાઓ નક્કી રહેશે. દેશમાં કોઇપણ સરકારી કામગીરી શરૂ થાય તેની સાથે વિવાદ ના જોડાય તેવું ભાગ્યે જ બને છે. 2024ની વસ્તી ગણતરીની કામગીરી અગાઉ પણ વિવાદ શરૂ થયો છે. આ વિવાદ જાતિ આધારિત વસ્તી ગણતરીનો છે. દેશના બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત કેટલાક રાજ્યોએ પોતાની વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કર્યો છે કે આગામી વસ્તી ગણતરીની કામગીરીમાં જાતિને સામેલ કરવી જોઇએ. કેટલાક રાજ્યોએ તો પોતાના વિસ્તારોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની કામ પણ શરૂ કરી દીધું છે. જોકે હાલમાં કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું છે કે જાતિ આધારિત ગણતરી કેન્દ્ર સરકાર નહીં કરે. સાથે સાથે રાજ્ય સરકારોને પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની ના પાડી દેવાઇ છે. 2001માં જ ભાજપની આગેવાની હેઠળની એન.ડી.એ.ની સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની ના પાડી દીધી હતી.

#news #gujarati #gujaratinews #India #government #Indiangovernment #BJP #census #dataregistration #economy #vote #getcounted #becounted #everyonecounts #censo #covid #community #uscensus #statistics #data #population #community #geography #shapeyourfuture #countmein #wecount #youcount #icount #bhfyp #generationscore #democracy #state #voterregistration #stayhome #censusday #service
.png)



Comments