શસ્ત્રોના ભંડાર ભરીને શાંતિ મંત્રણા શક્ય છે ?
- ssoni43
- May 2, 2023
- 2 min read
સુદાનમાં સ્થિતિ સ્ફોટક છે, બૂર્કિના ફાસોમાં કત્લેઆમ ચાલે છે, સિરિયા, અફઘાનિસ્તાન તબાહ થઈ ગયા છે. વિશ્વની મહાસત્તાઓ માનવ અધિકારનો ઝંડો લઈ જગતના જમાદાર બને છે, પરંતુ છેલ્લી અર્ધી સદીમાં યુદ્ધ અને આંતરવિગ્રહના નામે કરોડો લોકોનું જીવન બદહાલ બની ગયું છે, શરણાર્થીઓની સંખ્યા વધી રહી છે, બાળકો કુપોષણનો ભોગ બની રહ્યાં છે, મિસાઈલોના મારામાં સતત શાળાઓ અને દવાખાના તૂટી રહ્યાં છે. આ વિશ્વને આપણે ઉત્તરોતર વધુને વધુ ભયગ્રસ્ત બનાવી દીધું છે, જેમાં મોટા દેશો વધુ સમૃદ્ધ થઈ રહ્યા છે, જ્યારે અનેક નાના દેશો બેહાલ બની રહ્યા છે. 2019માં અમેરિકાએ મિલિટ્રી બજેટમાં 5.3%, ચીને 5.1%નો વધારો કરેલો. રશિયા, ભારત અને સાઉદી અરેબિયા સહિત આ પાંચ દેશો વિશ્વના લશ્કરી સરંજામનો 60% હિસ્સો ધરાવે છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે, શસ્ત્રોની ખરીદીમાં તમામ દેશો ધૂમ વધારો કરી રહ્યા છે. યાદ રહે - એક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ અથવા તો ફાઈટર વિમાનોની શૃંખલાનો ખર્ચ નાના દેશોના કુલ બજેટથી વધુ હોય છે. સુરક્ષા જરૂરી છે, પરંતુ જીવવા માટે અન્ન, શિક્ષણ અને દવા ઉપર કાપ મૂકીને શસ્ત્રો ખરીદવા એ મોટી વિટંબણા જ ગણાય. જગતનું જમાદાર યુનાઇટેડ સ્ટેટ્સ 2022માં લશ્કરી ખર્ચ કરનારાઓની યાદીમાં ટોચ પર છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રે 81.4 બિલિયન ડોલર ખર્ચ સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. રશિયા-યૂક્રેન સંઘર્ષથી બંને દેશોમાં વણથંભી ખુંવારી વચ્ચે અમેરિકન ઓઈલ કંપનીઓ માલામાલ થઇ ગઈ છે. રશિયા ઉપર મુકાયેલાં નિયંત્રણો તેમને ખૂબ ફ્ળ્યા છે, બીજી તરફ્ યુરોપે તેના સૈન્ય ખર્ચમાં 13 ટકાનો વધારો કર્યો છે. છેલ્લા 30 વર્ષમાં પહેલીવાર આટલો મોટો વધારો થયો તેનું કારણ રશિયાનો ભય છે. યૂક્રેન પરના હુમલા પછી તેમાં દખલ કરનારા દેશોને પણ હુમલાની રશિયાએ ધમકી ઉચ્ચારી છે. આ સાથે દુનિયાભરમાં વિશેષતઃ યુરોપમાં છેલ્લા કેટલાક સમયથી સંરક્ષણ ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે, કારણ કે આ તબક્કે તો સ્થિતિમાં કોઇ સુધારો થવાની સંભાવના દેખાતી નથી. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) પછીના ગાળામાં પણ યુદ્ધો અને નાનામોટા સશસ્ત્ર સંઘર્ષો તો ચાલુ જ રહ્યા છે અને તે દરમિયાન શસ્ત્રોની સંહારક શક્તિમાં પણ સતત વધારો થતો રહ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ બંદૂકો, તોપો અને ઠંડા પોલાદથી છેડવામાં આવ્યું હતું અને 1918માં યુદ્ધનો અંત થયો ત્યાં સુધી રણગાડીઓ તથા ઝેરી વાયુનો વપરાશ શરૂ થયો હતો. બીજા વિશ્વયુદ્ધનો આરંભ સ્વયંસંચાલિત હથિયારો, રણગાડીઓ અને વિમાનોથી થયો, પરંતુ 1945માં આ યુદ્ધનો અંત થયો ત્યારે અણુશસ્ત્રોનો ઉપયોગ થયો. વિશ્વમાં શાંતિ સ્થપાય એ માટે ભાતભાતના સંગઠનો રચાયા છે, સતત શાંતિ મંત્રણાઓ ચાલે છે પરંતુ નિઃશસ્ત્રીકરણની દિશામાં કોઈ એક ડગલું ભરતું નથી એટલે સતત ભયનો ઓથાર દૂર થતો નથી. અણુ શસ્ત્રો અને સૈન્ય ખર્ચ એટલો મોટો હોય છે કે જો તેમાં થોડો પણ ઘટાડો થાય તો પૂરા વિશ્વના ગરીબ દેશોના બાળકો નિઃશુલ્ક ભણી શકે એવી વ્યવસ્થા થાય, કોઈ ભૂખ્યું ના રહે, કોઈ સારવાર માટે ના તરફ્ડે.....

.png)



Comments